
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનનો એક શરમજનક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર ગુજરાત પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. દારૂના એક કેસમાં આરોપીને બચાવવા અને મામલો રફે-દફે કરવા માટે ડી-સ્ટાફનો પોલીસકર્મી બુટલેગર સાથે લાખો રૂપિયાની ‘ડીલ’ કરતો કેમેરામાં કેદ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
શું હતો સમગ્ર મામલો?
ગત ૨૪ ઓગસ્ટના રોજ નરોડા ડી-સ્ટાફની ટીમે સીટી સેન્ટર પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં દારૂ અંગે દરોડો પાડ્યો હતો. આ કામગીરી દરમિયાન પોલીસે વિદેશી દારૂના ૪૩ ક્વાર્ટર, એક ફોર-વ્હીલર કાર અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૫,૧૮,૯૭૫નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રેડ દરમિયાન કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેની સાથેના અન્ય બે આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
વાયરલ વીડિયોમાં ખુલ્લેઆમ ‘વહીવટ’ની વાત
કેસ નોંધાયા બાદ કથિત રીતે ડી-સ્ટાફના જનક નામના પોલીસકર્મીએ ફરાર આરોપીઓ સાથે સેટલમેન્ટ કરવાનો ખેલ શરૂ કર્યો હોવાનો ખુલાસો થયો છે. વાયરલ ઓડિયો/વીડિયો સંવાદમાં પોલીસકર્મી બુટલેગર સાથે ખુલ્લેઆમ ભાવતાલ કરતો સંભળાય છે:
- લાંચની માંગણી: બુટલેગર ૧.૫ લાખ રૂપિયા આપવાની વાત કરે છે, ત્યારે પોલીસકર્મી કહે છે કે “સાહેબ તો ૬ થી ૮ લાખ રૂપિયા માંગે છે, પણ હું વાત કરીને ૩ થી ૩.૫૦ લાખ સુધીમાં પતાવી દેવા મનાવીશ.”
- ધંધો ચાલુ રાખવાની ખાતરી: પોલીસકર્મી બુટલેગરને એવું પણ કહેતો સંભળાય છે કે “આ વખતે સારું સેટલમેન્ટ થઈ જશે તો આપણું ટ્યુનિંગ થઈ જશે અને ભવિષ્યમાં પણ તમારો ધંધો કાયમ માટે સારો ચાલશે.”
ઉચ્ચ અધિકારીઓનું વલણ અને તપાસના આદેશ
આ કથિત વીડિયો નરોડા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PIના ધ્યાને આવતાં જ તેમણે મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, વીડિયોમાં જે કથિત પોલીસકર્મીનું નામ આવી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવશે અને જો તેની ભૂમિકા સંકાસ્પદ જણાશે તો તેની સામે ખાતાકીય અને કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. આ મામલે ઝોન-૪ DCP કચેરી દ્વારા પણ તપાસ લંબાવવામાં આવી છે.