
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો મોટો દરોડો: બોગસ બ્લડ પ્રેશરની દવાઓનું રેકેટ ઝડપાયું, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે રાખી તપાસ શરૂ
જાણીતી કંપનીઓના નામે બનાવટી બીપીની દવાઓ બનાવી વેચતા માફિયાઓ સામે કાર્યવાહી; મોટો જથ્થો જપ્ત કરી વધુ તપાસ તેજ
મુખ્ય સમાચાર (અમદાવાદ)
અમદાવાદ શહેરમાં લોકોના આરોગ્ય અને જીવન સાથે ગંભીર ખેલ ખેલતા નકલી દવાના કારોબારીઓ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી અને કડક કાર્યવાહી કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને બ્લડ પ્રેશર (BP)ની નકલી અને બનાવટી દવાઓ બનાવતા તેમજ તેનું બજારમાં વેચાણ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
બાતમીના આધારે દરોડો અને મુદ્દામાલ જપ્ત
ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પ્રખ્યાત અને નામાંકિત ફાર્માસ્યુટિકલ કંપનીઓના નામે આબેહૂબ પેકિંગ કરીને વેચવામાં આવતી બ્લડ પ્રેશરની બોગસ દવાઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે બનાવટી દવાઓનો જથ્થો, પેકિંગ મટીરિયલ તેમજ અન્ય સાધન-સામગ્રી કબ્જે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દર્દીઓના આરોગ્ય સામે મોટો ભય
બ્લડ પ્રેશર જેવી ગંભીર અને દૈનિક જીવનરક્ષક માનવામાં આવતી બીમારીમાં દર્દીઓ નિયમિતપણે દવાની ગોળીઓ પર નિર્ભર હોય છે. આવા સંજોગોમાં નકલી કે ગુણવત્તા વગરની દવાનું સેવન દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રેકેટ દ્વારા બજારમાં સપ્લાય કરવામાં આવતી દવાઓમાં કયા ઘટકો વાપરવામાં આવતા હતા અને તેનાથી દર્દીના શરીર પર શું અસર પડી શકે તે અંગે નિષ્ણાતોની સલાહ લેવાઈ રહી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંયુક્ત તપાસ
આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ની ટીમને સાથે રાખીને સીઝ કરવામાં આવેલી દવાઓના સેમ્પલ લીધા છે અને તેને ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ બોગસ દવાઓ ક્યાં તૈયાર કરવામાં આવતી હતી, તેનો મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે અને કયા કયા મેડિકલ સ્ટોર્સ કે હોલસેલર્સ મારફતે બજારમાં વેચવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.