
(અમદાવાદ સરદારનગર એરપોર્ટ)
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ અને નશાકારક પદાર્થોની હેરાફેરી નાબૂદ કરવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. એરપોર્ટ પોલીસે સરદારનગર વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી વેચાણ/હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન એવર ગ્રીન સ્કૂલ પાસેથી ધરપકડ
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એ. મકવાણા તથા તેમની સ્ટાફની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે સરદારનગર સ્થિત એવર ગ્રીન સ્કૂલ પાસે, બાપા સીતારામ મંદિર સામે આવેલ સમર્થનગર ફ્લેટ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે ૩૪ વર્ષીય શેરૂ હેરેશકુમાર શિવનદાસ ગુરનાણી (રહે. સમર્થનગર ફ્લેટ, સરદારનગર, અમદાવાદ) નામના ઈસમની અટકાયત કરી હતી.
રૂ. ૭,૦૧૫નો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીની તલાશી લેતા તેની પાસેથી પાસ-પરમિટ વગરનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો:
- ગાંજાનો જથ્થો: ૪૦ ગ્રામ ૩૧૦ મિલીગ્રામ (કિંમત રૂ. ૨,૦૧૫/-)
- મોબાઈલ ફોન: રેડમી નોટ-૧૧ કંપનીનો મોબાઈલ (કિંમત રૂ. ૫,૦૦૦/-)
- કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૭,૦૧૫/-
નારોલનો સપ્લાયર ગુનામાં વોન્ટેડ જાહેર
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગાંજાનો જથ્થો અમદાવાદના નારોલ ખાતે રહેતા ‘લુસા’ નામના વ્યક્તિએ પૂરો પાડ્યો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) અને ૨૯ મુજબ ગુનો નોંધીને મુખ્ય સપ્લાયર ‘લુસા’ને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.